એક પિતાની સફર અને પરમ પિતાનો પાઠ

તારીખ: 19-10-2025

દિવાળીના પાવન પર્વે, હું મારી પત્ની, ચાર વર્ષની દીકરી અને એક મહિનાના દીકરા સાથે મોટા ઘરે જવાની તૈયારીમાં હતો. દીકરો હજી ખુબ નાનો હોવાથી સફર ધીમી ગતિએ અને સાવચેતીપૂર્વક કરવાનો પહેલેથી નિર્ણય લેવાયો હતો. સવારે સાડા દસ વાગ્યે અહમદાબાદથી ગોંડલ તરફ રવાના થ્યા — હૃદયમાં ઉત્સાહ પણ હતો અને જવાબદારીનો ભાર પણ.

દીકરીના લાડ-કોડ નાના ભાઈના આગમન બાદ થોડા ખસી ગયા હતા, અને એના મનમાં એક અદૃશ્ય ગડમથલ ચાલતી હતી. નાની ઉમરે મળતી અનન્યતા હવે વહેંચાવાની શરૂઆત થઈ હતી. માતા-પિતા તરીકે એ સ્થિતિની મારી અંદરથી સંપૂર્ણ સમજ હતી, પણ એ ઉકેલવી સહેલી નહોતી.

સાત કલાકની લાંબી સફરમાં અનેકવાર અમારે રોકાવું પડ્યું — ક્યારે દીકરો સૂતો હોય ત્યારે ખાડો આવતા જાગી જાય, તો ક્યારે દીકરીને ભૂખ કે તરસ લાગે. ક્યારેક એની નિર્દોષ ફરમાઈશો, તો ક્યારે અમારી સહનશીલતાની કસોટી. ધીમે ધીમે સમજાતું ગયું કે બાળકોની માનસિક સ્થિતિ અને અમારી વ્યવહારિક પરિસ્થિતિ વચ્ચે વિસંગતતા ઊભી થઈ રહી હતી.

એ જ ક્ષણે વિચાર આવ્યો — જો આ બંનેમાંનો એક બાળક પણ પરિસ્થિતિને સ્વીકારીને સહયોગ આપે, તો આખી સફર કેટલી સરળ બની શકે! સહકારના એક નાનકડા પળે, મુસાફરીના તમામ કઠિનાઈઓ ઓગળી જાય એવી અનુભૂતિ થતી હતી. અને એ સહકાર માટે, અમે પણ તેને રાજી કરવાની દરેક નાની મોટી રીત અપનાવતા હતા.

આ નાની ઘટના પરથી મન અચાનક ઊંડા વિચારના સમુદ્રમાં ડૂબકી મારવા લાગ્યું. બાળપણમાં જ્યારે માતા-પિતાની વાત માનવી એ આપોઆપની બાબત હતી — ‘શા માટે માનવી?’ એવો પ્રશ્ન કદી ઊભો થતો નહોતો. આજની આ ક્ષણે એ સાદી લાગતી બાબતનો આધ્યાત્મિક અર્થ સ્પષ્ટ થવા લાગ્યો.

જેમ ગુરુના વચનને શ્રદ્ધાપૂર્વક સ્વીકારીએ ત્યારે જીવનમાં અદ્ભુત ફળ મળે છે, એમ જ ભગવાનની ઈચ્છાને પણ શંકા વિના સ્વીકારીએ તો એ આપણને ત્યાં સુધી લઈ જાય છે જ્યાં સુધી આપણી બુદ્ધિ કલ્પના પણ કરી શકતી નથી. ઘણીવાર ગુરુના કે ઈશ્વરના શબ્દો તરત સમજાઈ જતા નથી, ક્યારેક તો વિપરીત પણ લાગતા હોય છે — પણ જયારે વિશ્વાસપૂર્વક સમર્પણ થાય, ત્યારે જીવનમાં ચમત્કારિક પરિણામો દેખાવા લાગે છે.

આ વિચાર સાથે મને એક મહાત્માની વાણી યાદ આવી — “પરમાત્મા અને આપણા સંબંધનું મૂળ પિતા અને સંતાનનો ભાવ છે. જો સંતાન પરમ પિતાની ઈચ્છાને સ્વીકારીને સમર્પિત બને, તો એ પરમ કૃપાળુ પિતા પોતાના સંતાન પર રાજી થાય છે. અને એ રાજીપો — એથી મોટો આશીર્વાદ આ ધરતી પર બીજો કોઈ નથી.”

આ સફર માત્ર એક શહેરથી બીજા શહેર સુધીની ન હતી — એ તો એક અંતઃયાત્રા હતી. એક એવી યાત્રા, જ્યાં જીવનના સહજ પળોમાં છુપાયેલો આધ્યાત્મિક સંદેશ ધીમે ધીમે મનમાં ઉઘડી રહ્યો હતો.


ટિપ્પણીઓ